અમદાવાદઃ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં કાર્યરત પ્રોજેક્ટ ઇનોવેશન લેબોરેટરીમાં હવે જીટીયુની ડિગ્રી ઈજનેરી અને એમબીએ કોલેજોના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ સમર ઇન્ટર્નશિપમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો લાભ મેળવી શકશે. જીટીયુએ આ અંગે મંજૂરી આપતા હાલમાં આ સમર ઇન્ટર્નશિપ માટે ડિગ્રી ઇજનેરી અને એમબીએના 115 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 80 વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઈન્ટર્નશિપ કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સરકારી પોલિટેકનિકમાં કાર્યરત પ્રોજેક્ટ ઇનોવેશન લેબોરેટરીમાં હવે જીટીયુની ડિગ્રી ઈજનેરી અને એમબીએ કોલેજોના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ સમર ઇન્ટર્નશિપમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો લાભ મેળવી શકશે. પોલિટેકનિકના આઈસી વિભાગના પ્રોફેસર ઉર્વિશ સોનીએ કહ્યું કે, ‘પોલિટેકનિકની ઇનોવેશન લેબમાં ઇન્ડસ્ટ્રીયલ મેન્ટર્સ, પ્રોટોટાઇપિંગ ફેસિલિટી, સંસ્થાની અન્ય સવલતો જેવી કે કો વર્કિંગ સ્પેસ, સંસ્થાકીય મેન્ટર્સનો લાભ મળશે. આ અંગે પ્રિન્સિપાલ ડો. ભાસ્કર ઐયરે કહ્યું કે, ‘સરકારી પોલિટેકનિકમાં ડિગ્રી ઇજનેરી અને એમબીએના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની તક અપાઈ છે તેવું રાજ્યમાં પહેલી વાર બન્યું છે. સરકારી પોલિટેકનિક કોલેજની પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબોરેટરીમાં ડિપ્લોમા આઈસી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શરૂ કરેલા સ્ટાર્ટઅપના માધ્યમથી ટેકનિકલ તાલીમ અપાશે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓને પ્રોટોટાઇપિંગ, મેન્ટરશિપ, વર્કિંગ સ્પેસ સહિતની સવલતો મળશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝમાં હાલની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને તેના ઉકેલ માટેની પદ્ધતિસરની તાલીમ અપાશે. ઉપરાંત એમબીએના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને મલ્ટિ ટાસ્કિંગ બનવા માટેની સજ્જતા સહિતની બાબતોની તાલીમ અપાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં જે તે બ્રાન્ચ પ્રમાણે વર્તમાન સમયની માગને અનુરૂપ ઇન્ડસ્ટ્રીઝનું ટેકનિકલ નોલેજ- ટીમ લીડરશિપ સ્કિલ, માર્કેટિંગ સ્ટ્રેટેજી, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, પ્રોક્યોરમેન મેથડ, નેગોશિએશન સ્કિલ, ટીમ વર્કિંગ સ્કિલ, એનાલિટિકલ સ્કિલ, ટૂલ કેવી રીતે વાપરવાં, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ક્રિટિકલ થિન્કિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ પ્રીપરેશન- કોમ્યુનિકેશન સ્કિલ શીખવાડાશે. જેનો વિદ્યાર્થીઓને સારો એવો લાભ મળશે.