- દેહરાદૂનઃ ધામી સરકારનો મોટો નિર્ણય
- રાજ્યમાં 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ
- ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
દહેરાદુન : ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આગામી 6 મહિના સુધી રાજ્યમાં હડતાળ પર પ્રતિબંધ રહેશે. સરકારનું કહેવું છે કે ચોમાસાની સિઝન અને ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
બીજી તરફ, ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે ચારધામ યાત્રામાં ઉમટી રહેલા ભક્તોની ભીડને મંદિરોની ક્ષમતા કરતા વધારે હોવાનું જણાવ્યું હતું અને યાત્રાળુઓને તેમની યાત્રા મોકૂફ રાખવાની અપીલ કરી હતી. ડીજીપીએ જણાવ્યું કે ચારધામ યાત્રા દિવાળી સુધી ચાલુ રહેશે.
ડીજીપીએ કહ્યું કે ઘણા શ્રદ્ધાળુઓ માને છે કે યાત્રા મે-જૂન મહિનામાં જ ચાલે છે. હું તેમને કહેવા માંગુ છું કે તે નવેમ્બરના બીજા સપ્તાહ સુધી ચાલશે; તે દિવાળી સુધી ચાલુ રહે છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં ઑક્ટોબર મહિનો હવામાનની દૃષ્ટિએ ઘણો સારો છે, તેથી શ્રદ્ધાળુઓ અસુવિધા ટાળવા માટે ચારધામ યાત્રા પર આવવાનું મુલતવી રાખી શકે છે.
ઉનાળાની રજાઓને કારણે આ દિવસોમાં ચારધામ યાત્રામાં ભારે ભીડ જામી રહી છે. બીજી તરફ ચોમાસામાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં પ્રતિકૂળ સ્થિતિ સર્જાય છે. રાજ્યમાં વારંવાર બગડતા હવામાનને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ યાત્રાળુઓને વેધર અપડેટ મેળવ્યા પછી જ યાત્રા પર જવાની અપીલ કરી હતી જેથી તેમને રસ્તામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.