- હવે ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે,
- પીએચડીમાં પ્રવેશ પરીક્ષા પણ રદ, નેટ દ્વારા સીધો પ્રવેશ અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રકિયામાં વિલંબ થયો છે. રાજ્યની 90 જેટલી ફાર્મસી કોલેજોને કાઉન્સિલ દ્વારા લીલીઝંડી ન અપાતા પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી રોકી દેવામાં આવી છે. જોકે બેચાર દિવસમાં ફાર્મસી કાઉન્સિલની મંજુરી મળી જશે, એટલે ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) તરફથી રાજ્યની ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી તેમ જ એમબીએ એમસીએ વિદ્યાશાખાની કોલેજોની બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાને ઘણો સમય થયો છે, ત્યારે ફાર્મસી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે હાલ અનિશ્ચિતતા છે. અમદાવાદ સહિત રાજ્યભરની 90 ફાર્મસી કોલેજોને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરીની રાહ જોવાઈ રહી હોવાથી આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબની શક્યતા છે. સંભવત: ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થવાની શક્યતા છે. રાજ્યમાં અમદાવાદ, કચ્છ, ભાવનગર, સુરત, ગાંધીનગર સહિત રાજ્યભરમાં 100 સેલ્ફ ફાઇનાન્સ ફાર્મસી કોલેજો આવેલી છે. આ કોલેજોમાં કુલ 9500 બેઠકો છે. નિયત ધારાધોરણ અનુસાર ફાર્મસી કોલેજોમાં મંજૂરી અંગેની જાહેરાત હજી સુધી કરાઈ નથી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી અનિવાર્યપણે લેવાની હોય છે. જો તેની મંજૂરી ન હોય તો તેવી કોલેજોમાં પ્રવેશ માન્ય ગણાતા નથી.
ગુજરાત સહિત દેશભરમાં પીએચડીમાં પ્રવેશ માટે ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે પીએચડીમાં માત્ર નેટ પાસ વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપવામાં આવશે તેવો યુજીસી દ્વારા પરિપત્ર કરાયો છે. પીએચડી અભ્યાસક્રમમાં નેટ – સ્લેટ પાસને બાદ કરતાં અન્ય ઉમેદવારોને પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ હવે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓમાં પીએચડીના અભ્યાસમાં લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રવેશ માટે નેટ પાસ ઉમેદવારોને પીએચડીમાં સીધો પ્રવેશ મળશે. આમ હવે પીએચડીના પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે.
#PharmacyAdmissionDelay | #PhDDirectAdmission | #NETExamination | #UGCPhDRules | #PharmacyCouncilApproval | #GujaratPharmacyColleges | #ACPCAdmissionProcess | #PhDEntranceExamCancelled | #AdmissionsInSeptember | #ProfessionalCoursesGujarat