Site icon Revoi.in

રેરા’ રજિસ્ટ્રેશનની પ્રકિયામાં વિલંબથી બિલ્ડરો અને કેસોનો નિકાલ ન થતાં ગ્રાહકો બન્યાં પરેશાન

Social Share

ગાંધીનગરઃ નવા મકાનો ખરીદતા ગ્રાહકોની સુરક્ષા માટે રેરા ( રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી) એક્ટ બનાવવામાં આવેલો છે. જેમાં બિલ્ડરોએ પોતાના નવા પ્રોજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમજ મકાન ખરીદનારા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને તો રેરામાં બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી નવા પ્રોજેકટના રજીસ્ટ્રેશનથી ફાઈલો રેરામાં પેન્ડીંગ પડી છે અને સમયસર નિકાલ થતો નથી. રજીસ્ટ્રેશનમાં સામાન્ય કરતા વધુ સમય થઈ રહ્યો હોવાથી બિલ્ડરો પરેશાન છે. ઉપરાંત ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ માટે પણ વિલંબ થઈ રહ્યો છે. ફરિયાદોના સુનાવણી માટેના કેસોનો પણ ભરાવો થયો છે. જો કે, હવે ઓથોરીટીએ સુનાવણી શરુ કરી દીધી છે અને થોડા વખતમાં પેન્ડીંગ કેસોનો નિકાલ થઈ જવાનો આશાવાદ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં નવા પ્રોજેકટ માટે રેરા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમયસર ન થતા બિલ્ડરો કફોડી હાલતમાં મુકાયા છે.  નવા પ્રોજેકટના રજીસ્ટ્રેશનથી ફાઈલો ગુજરાત રેરામાં પેન્ડીંગ પડી છે અને સમયસર નિકાલ થતો નથી. રજીસ્ટ્રેશનમાં સામાન્ય કરતા વધુ સમય થઈ રહ્યો છે. બીજી તરફ બિલ્ડરો વિરુદ્ધની ગ્રાહકોની 500થી વધુ ફરિયાદો પણ ‘રેરા’માં પેન્ડીંગ છે અને હિયરીંગ થઈ શકતું નથી. ઓકટોબરના પ્રારંભે રેરામાં 450 જેટલા પ્રોજેકટોના રજીસ્ટ્રેશન માટેની અરજીઓ પેન્ડીંગ હતી. રેરામાં નવા સભ્યોની નિમણૂકો કરવામાં આવી રહી છે. નવી ટીમને સમગ્ર પ્રક્રિયાથી વાકેફ થતા સમય લાગી શકે છે એટલે થોડી ઢીલ થઈ છે. જો કે, થોડા વખતમાં સ્થિતિ નોર્મલ થઈ જશે.

બિલ્ડરોના કહેવા મુજબ  નવા પ્રોપર્ટી પ્રોજેકટના રજીસ્ટ્રેશન માટે અત્યાર સુધી 35 દિવસ થતા હતા તેને બદલે હવે પ્રક્રિયા પૂર્ણ થવામાં બે માસ જેટલો સમય લાગી રહ્યો છે. પરિણામે અરજીઓનો ભરાવો થયો છે. દિવાળી સુધીમાં બેકલોગ દુર થઈ જવાની આશા છે. ફરિયાદોના સુનાવણી કેસોનો પણ ભરાવો થયો છે. જો કે, હવે ઓથોરીટીએ સુનાવણી શરુ કરી દીધી છે અને થોડા વખતમાં પેન્ડીંગ કેસોનો નિકાલ થઈ જવાનો આશાવાદ છે.

અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જમીનના મોટા સોદા થયા છે. ખાસ કરીને રાજયમાં જંત્રીદર વધારો લાગુ કરવામાં આવ્યો તે પુર્વે જૂની જંત્રીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સોદા-દસ્તાવેજો થયા હતા. આ જમીનો પર બિલ્ડરોએ પ્રોજેકટ મુકયા છે. તહેવારોની સીઝનનો લાભ લેવાની ગણતરી સ્વાભાવિક છે. આ તબકકે રેરા રજીસ્ટ્રેશનમાં ઢીલથી બિલ્ડરોમાં કચવાટ છે.