Site icon Revoi.in

દિલ્હીઃ કોર્ટમાં જ પોલીસ અને એક ગેંગ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, કુખ્યાત જીતેન્દ્ર ગોગી સહિત 3ના મોત

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી કોર્ટમાં ધાણીફુટ ગોળીબારની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને એક  ગેંગના સાગરિતો વચ્ચે થયેલા સામ-સામે ગોળીબારમાં જિતેન્દ્ર ગોગી સહિત 3 લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. મૃતકોમાં બંને હુમલાખોરોનો સમાવેશ થાય છે. હુમલાખોરો વકીલના સ્વાંગમાં આવ્યા હતા અને સમગ્ર ઘટના કોર્ટના રૂમ નંબર 207માં બની હતી. હત્યા અને ખંડણી સહિતના અનેક કેસમાં ઝડપાયેલા કુખ્યાત જીતેન્દ્ર ગોગીને પોલીસે મુદ્દત હોવાથી કોર્ટમાં રજૂ કર્યો હતો. તે સમયે જ પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ કોર્ટ રૂમમાં જ પોતાની પાસેના હથિયારથી ગોળીબાર શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટના ગેંગવોરની હોવાનું મનાઈ રહ્યું છે અને બંને હુમલાખોરો ટિલ્લૂ ગેંગના હોવાનું પોલીસ માની રહી છે. કોર્ટ રૂમમાં જ લગભગ 30થી 40 રાઉન્ડ ગોળીબાર થયો હતો. આ બનાવમાં એક મહિલા વકીલ પણ ઘાયલ થઈ હતી. પોલીસ કમિશનરે આ ઘટના ગેંગવોર હોવાનો ઈન્કાર કર્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરો બે શખ્સો હતો અને જ્યારે તેમણે જીતેન્દ્ર ગોગી ઉપર હુમલો કર્યો તો પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ ફાયરિંગમાં બંને હુમલાખોરોના મોત થયાં હતા. કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા રહે છે તેમજ ગેટ પાસે પણ લોકોની તપાસ કરવામાં આવે છે. જો કે, બંને આરોપીઓ વકીલના સ્વાંગમાં હોવાથી તેઓ સરળતાથી સુરક્ષા ચેકીંગથી બચીને કોર્ટ સંકુલમાં પહોંચી શક્યા હતા. જો કે, બંને હુમલાખોરો હથિયાર લઈને ચાલી આવતા હોવા છતા લોકોને ખબર ન પડી તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે. પોલીસ સમગ્ર ઘટનાને ગેંગવોર માની રહી છે. હુમલાખોરો ટિલ્લુ ગેંગના હોવાનું જાણવા મળે છે. કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીને હુમલામાં કેટલીક ગોળીઓ વાગી હતી.

મીડિયા સાથે વાત કરતા એક વકીલે કહ્યું હતું કે, જ્યારે હુમલો થયો ત્યારે ન્યાયમૂર્તિ અને જીતેન્દ્ર વચ્ચે માત્ર એક મીટરનું જ અંતર હતું. ત્યાંજ અચાનક જોરદાર ગોળીબાર થયો હતો. એવુ કહેવાય છે કે, હુમલાની આ ઘટનામાં એક મહિલા વકીલ પણ ઘાયલ થઈ હતી. ગેંગસ્ટર ગોગી ઉપર હત્યા, ખંડણી, પોલીસ ઉપર હુમલો સહિતના કેસ ચાલી રહ્યાં હતા. જિતેન્દ્રને પોલીસે ગયા વર્ષે જ ગુરુગ્રામથી પકડ્યો હતો. જ્યારે તેની ધરપકડ કરાઈ હતી ત્યારે તેની ઉપર આઠ લાખનું ઈનામ હતું. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ યોગીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

કોર્ટ રૂમમાં જ ગોળીબારની ઘટના બનતા વકીલો અને અસીલોમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાને પગલે પોલીસે પણ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી હતી. જેથી કોર્ટ રૂમમાં જ પોલીસ અને બે આરોપીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. પોલીસના ગોળીબારમાં બંને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યાં હતા. પોલીસ અથડામણમાં મર્યા ગયેલા બંને આરોપીઓની પોલીસ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે. હુમલાખોરોનું નામ રાહુલ અને મોરીસ હોવાનું ખૂલ્યું છે.

પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, આરોપીઓ વકીલના કપડામાં કોર્ટમાં આવ્યાં હતા. બંને આરોપીઓને પોલીસે એન્કાઉન્ટમાં ઠાર માર્યાં છે. આ ઘટના ગેંગવોરની નથી.