Site icon Revoi.in

દિલ્હીઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે કર્ટેન રેઇઝર મિટ યોજાઈ

Social Share

નવી દિલ્હીઃ જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે દેશની રાજધાની દિલ્હીમાં કર્ટેન રેઇઝર મિટ યોજાઈ. જેમાં વિવિધ ક્ષેત્રના 1500 જેટલા રોકાણકારો તથા ઉદ્યોગકારો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણો કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દશક પહેલા વાવેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તેમના જ માર્ગદર્શનમાં હું અને મારી ટીમ ગુજરાતની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવવા કર્તવ્યરત છે.

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી હંમેશાં સમયથી એક કદમ આગળ વિચારનારા વિઝનરી લીડર છે. 2003માં જ્યારે કોઈને આવી બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર પણ ન આવ્યો ત્યારે તેમણે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવના સાથે વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપ્યું હતું.  સાથે જ તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી વિશ્વના મૂડી રોકાણકારો અને થોટ લીડર્સને એક સાથે એક મંચ પર લાવ્યા અને સૌ સાથે મળીને આગળ વધી શકે તેવો નવતર વિચાર આપ્યો. હવે છેલ્લા 9 વર્ષમાં તેમના દૂરદર્શી નેતૃત્વથી દેશમાં પણ અનેક નવતર અભિગમ સાથેના રિફોર્મ્સથી ભારતે વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી કરી છે.
 
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે છેલ્લા 2 દશકથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ પ્રતિષ્ઠા અપાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસ માટેની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્લેટફોર્મ બની ગઈ છે. તેમણે તાજેતરમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની ભવ્ય સફળતાના ભાગરૂપે યોજાયેલી ‘સમિટ ઓફ સક્સેસ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે આ કર્ટેન રેઈઝર મિટમાં ઉપસ્થિત ઉદ્યોગકારો-રોકાણકારો દેશના અમૃતકાળના સાક્ષી છે. આ અમૃતકાળમાં ગુજરાતના થઈ રહેલા નિરંતર વિકાસ અને ડેવલપમેન્ટ ઓરિયેન્ટેડ ગવર્નન્સથી ભારતની વિકાસયાત્રાને પણ બળ મળ્યું છે. દેશના આ મહત્વપૂર્ણ કાલખંડમાં યોજાઈ રહેલી 10મી વાઈબ્રન્ટ સમિટની થીમ ગેટ-વે ટુ ધ ફ્યુચર છે, વિકસિત ભારત@2047ના દ્રષ્ટિકોણને ગુજરાત આ સમિટથી સાકાર કરશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ એવા ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., ડ્રીમ સિટી, ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માધ્યમથી વિકસિત ભારતનું પ્રધાનમંત્રીનું વિઝન પાર પાડવામાં ગુજરાતે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી દીધી છે. ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ, ફાયનાન્સિંગ અને ફિનટેક હબ જેવા નવ ઊભરતા ક્ષેત્રો વિકસી રહ્યાં છે. ધોલેરા એસ.આઈ.આર. ભારતનો સૌથી મોટા ગ્રીન ફિલ્ડ ઈન્સ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી બનશે. દેશમાં ગુજરાતે સૌ પહેલાં સેમિ કન્ડક્ટર પોલિસી લાગુ કરી છે. રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાતે લીડ લીધી છે.

તેમણે કહ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં 15 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી કેપિસિટી 20 ગિગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે પણ 100 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેશનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે.
 
આગામી જાન્યુઆરી-2024ની વાઈબ્રન્ટ સમિટમાં આવા નવા ઊભરતા સેક્ટર્સ રિન્યુએબલ એનર્જી, સેમિ કન્ડક્ટર, સસ્ટેઈનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક મોબિલિટી અને ઈન્ડસ્ટ્રી 4.0., જેવા મહત્વપૂર્ણ વિષયોના સેમિનાર અને કોન્ફરન્સ યોજવાના આયોજનની ભૂમિકા અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. સસ્ટેઈનેબલ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ સભર ઈકોસિસ્ટમના નિર્માણમાં રોકાણકારો, ઉદ્યોગકારોના સહયોગથી વાઈબ્રન્ટ સમિટ દ્વારા સફળતા મેળવવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં આર્સેલર મિત્તલના CEO દિલીપ ઓમેન, મારુતિ સુઝુકીના MD અને CEO હિતાષી તાકાયુષી તથા યુ.કે. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રુપના CEO રિચાર્ડ મેકકલમે વાઈબ્રન્ટ સમિટ સંદર્ભમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.