Site icon Revoi.in

દિલ્હીઃ સત્યનિકેતન વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી, 6 વ્યક્તિઓને બચાવાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા 6 વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ બિલ્ડીંગમાં રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ઈમારત ધરાશાયી થતા કાટમાળ નીચે કેટલાક શ્રમજીવીઓ ફસાયાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી બચાવ ટીમે રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી અને કાટમાળની નીચે ફસાયેલા 6 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. જેસીબીની મશીનથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. દિલ્હીના સત્યનિકેતનમાં થયેલા અકસ્માત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. હું પોતે ઘટના સાથે જોડાયેલી દરેક માહિતી લઈ રહ્યો છું.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બચાવ કાર્ય માટે 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર હતા. બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC)ના મેયર મુકેશ સૂર્યને જણાવ્યું કે સત્યનિકેતનમાં કોઈના ઘરમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. 31મી માર્ચે તે બિલ્ડિંગ પર નોટિસ ચોંટાડવામાં આવી હતી કે બિલ્ડિંગ ડેન્જર ઝોનમાં છે. 14 એપ્રિલે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.