નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કથિત દારૂ નીતિ મામલે ઈડીએ આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નિવાસસ્થાન ઉપર છાપો માર્યો હતો. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ મામલે કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડી દ્વારા સંજ્યસિંહની લગભગ 10 કલાકની લંબાણ પૂર્વકની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આમ આદમી પાર્ટીના સાંસદના નિવાસસ્થાન અને સમગ્ર પરિસરમાં તપાસ કરી હતી. બીજી તરફ ઈડીની કાર્યવાહીની જાણ થતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમના નિવાસસ્થાન બહાર એકત્ર થઈ ગયા હતા. તેમજ ઈડીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઈડીની ચાર્જશીટ અનુસાર દિલ્હી શરાબ નીતિ કેસમાં દિલ્હીના વ્યવસાયી દિનેશ અરોડા આરોપી છે. સંજય સિંહની ઉપસ્થિતિમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે તેમની સાથે મુલાકાત કરી હતી. અરોડાએ ઈડી સમક્ષ જણાવ્યું હતું કે, તેમની મુલાકાત એક કાર્યક્રમ દરમિયાન સંજય સિંહ સાથે થઈ હતી. જે બાદ તેઓ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યા હતા. ઈડીએ આજે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજય સિંહ સામે કરેલી કાર્યવાહીનો દિલ્હીમાં અનેક સ્થળે કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ઈડીની કાર્યવાહીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, તેમના ઘરેથી કંઈ નહીં મળે. આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં ભાજપ હારશે. આ તેમનો હતાશ પ્રયાસ છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ એક્ટિવ થશે.