દિલ્હીઃ મેટ્રિમોનિયલ સાઇટ પર NRI તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલાઓને લગ્ન અને વિઝા અપાવવાના લાલચ આપીને છેતરપીંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી સહિત બેની આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
એરપોર્ટ પોલીસના ડેપ્યુટી કમિશનર સંજય કુમાર ત્યાગીએ જણાવ્યું કે, આરોપીઓની ઓળખ પુરુષોત્તમ શર્મા ઉર્ફે પંકજ શર્મા (રહે, પંજાબ) અને કુલદીપ સિંહ (રહે રોહિણી સેક્ટર 34) તરીકે કરવામાં આવી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, પશ્ચિમ વિહારની એક મહિલાએ IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તેના છૂટાછેડા થઈ ગયા છે. તેમને 25 લાખ રુપિયા ભરણપોષણ તરીકે મળ્યા હતા. તે મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા પંકજ શર્માના સંપર્કમાં આવી હતી. વાતચીત દરમિયાન તેણે પોતાની ઓળખ એનઆરઆઈ તરીકે આપી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેણે જણાવ્યું કે તેની ઓફિસ ચંદીગઢ, અંબાલા અને કરનાલમાં છે. તેણે ઘણા લોકોને વિદેશ મોકલ્યા છે. તેણે ફરિયાદીને તેના માટે કેનેડામાં લગ્ન કરવાનું કહ્યું હતું. તેનાથી પ્રેરિત થઈને મહિલાએ તેને કેનેડાના વિઝા માટે તેનું ITR, ફોટોગ્રાફ, બેંક સ્ટેટમેન્ટ અને પાસપોર્ટ આપ્યો હતો. પાસપોર્ટ લીધા બાદ આરોપીએ તેની પાસે એક યા બીજા બહાને પૈસાની માંગણી શરૂ કરી હતી. ઓક્ટોબર 2020 માં, બેંક દ્વારા, મહિલાએ આરોપીને રોકડમાં ચૂકવણી કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટેકનિકલ તપાસ બાદ પોલીસે 21મી ડિસેમ્બરે પંજાબના અમૃતસરમાંથી પંકજ શર્માની ધરપકડ કરી હતી. તેમજ તેના સાગરિત કુલદીપની 26 ડિસેમ્બરે રોહિણીથી ધરપકડ કરી હતી.
પોલીસ સમક્ષ આરોપીએ જણાવ્યું કે તે છેતરપિંડી માટે લગ્નની સાઇટ પર છૂટાછેડા લીધેલી મહિલાની શોધ કરતો હતો. એનઆરઆઈ હોવાનું બહાનું બનાવીને તે તેમની સાથે લગ્નના બહાને વાતચીત શરૂ કરતો હતો. ત્યાર બાદ વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરતો હતો. આરોપી કુલદીપની મદદથી વિઝા સ્ટીકરની વ્યવસ્થા કરતો હતો. પહેલા આરોપી કેનેડિયન એમ્બેસી પાસેથી વિઝા મેળવવાનું આશ્વાસન આપતો હતો જ્યારે વિઝામાં વિલંબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કોવિડનું બહાનું કાઢતો હતો. બાદમાં આરોપી તેના પાર્ટનર સાથે મળીને તેના પાસપોર્ટ પર નકલી વિઝા લગાવીને પૈસા પડાવી લેતો હતો.
(PHOTO-FILE)