દિલ્હી : રાજધાની દિલ્હીમાં આ વર્ષે વરસાદે કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. સમગ્ર સિઝનમાં પડેલા વરસાદના ચોથા ભાગનો વરસાદ એક જ દિવસમાં થયો છે. ચારે તરફ જળબંબાકાર છે અને યમુનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.આ દરમિયાન દિલ્હીના લોકો પણ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય મચ્છરોથી ફેલાતા રોગોએ ભૂતકાળમાં પણ દિલ્હીને ઘણી પરેશાન કરી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 136 કેસ નોંધાયા છે. આ સાથે મેલેરિયાના ચેપના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે મંગળવારે સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે બેઠક યોજી હતી. શહેરના અધિકારીઓ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર,દિલ્હીમાં આ વર્ષે 8મી જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 136 અને મેલેરિયાના 43 કેસ નોંધાયા છે.
સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યું, ‘મચ્છરજન્ય રોગો અંગે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાનો સમાવેશ થાય છે. આ રોગોને ફેલાવવા ન દેવા સૂચના આપી હતી.
આ વર્ષે દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદ અને હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે ઉત્તરાખંડથી હરિયાણા થઈને દિલ્હી તરફ આવતી યમુના નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે. જેનું પરિણામ એ આવ્યું છે કે જૂના રેલવે બ્રિજ પર ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ત્યાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.