નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી એરપોર્ટને વર્ષ 2023 માટે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દસમા સ્થાને છે.
આ યાદીમાં યુએસનું હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોચ પર છે જ્યારે દુબઈ અને ડલ્લાસ એરપોર્ટ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં લંડનનું હીથ્રો એરપોર્ટ ચોથા ક્રમે, ટોક્યોનું હેનેડા એરપોર્ટ પાંચમા, ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ છઠ્ઠા, ઈસ્તાંબુલ એરપોર્ટ સાતમા, લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ આઠમા અને શિકાગોનું ઓ’હાર ઈન્ટરનેશનલ એરપોર્ટ નવમા ક્રમે છે.
એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, વિશ્વના ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી પાંચ યુએસમાં છે. ACIએ જણાવ્યું હતું કે 2023 માં, 8.5 અબજ (850 કરોડ) મુસાફરોએ સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી કરી હતી, જે કોરોના રોગચાળા પહેલા મુસાફરોની સંખ્યાના 93.8 ટકા અને વર્ષ 2022 કરતા 27.2 ટકા વધુ છે. દસમા સ્થાને, દિલ્હી એરપોર્ટ છે જ્યાં 2023 માં 7.22 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી.
નોંધનીય છે કે ACI એ એરપોર્ટ ઓથોરિટીનું એક સંગઠન છે જેનો હેતુ એરપોર્ટના ધોરણો માટે ઉદ્યોગ પ્રથાઓને એકીકૃત કરવાનો છે. 1991 માં સ્થપાયેલ, તેનું મુખ્ય મથક (ACI વર્લ્ડ) મોન્ટ્રીયલ, ક્વિબેક, કેનેડામાં આવેલું છે. તેના સભ્યો લગભગ 2000 એરપોર્ટનું સંચાલન કરે છે.