દિલ્હીઃ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિત શાહ અને તેમના પત્ની રહ્યાં હાજર
નવી દિલ્હીઃ બોલીવુડમાં ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બુધવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું. દિલ્હીમાં આ સ્ક્રિનિંગમાં વિશેષ અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહ લગભગ 13 વર્ષ પછી પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂર્ણ થયા બાદ અમિત શાહ બહાર નીકળી રહ્યાં હતા. જો કે, પત્ની સોનલ ત્યાં જ ઉભા રહી ગયા હતા. તે સમયે અમિત શાહે ફિલ્મી અંદાજમાં ચલિએ હુકુમ કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, તે 13 વર્ષ પછી પરિવાર સાથે ફિલ્મ જોઈ છે. ફિલ્મ જોયા બાદ તેણે કહ્યું કે, અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ભારતીય સંસ્કૃતિને બતાવે છે જે મહિલાઓનું સન્માન કરે છે અને સશક્તિકરણ કરે છે. આપણે 1947માં સ્વતંત્ર થયા હતા. હું નિશ્ચિતપણે કહી શકું છું કે 2014 થી, ભારતમાં સાંસ્કૃતિક પુનઃર્જાગરણનો એક યુગ શરૂ થયો છે. ભારતને ફરી એકવાર આપણે તે ઊંચાઈએ લઈ જઈશું જ્યાં આપણે હતા.
અક્ષય કુમારે આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે. માનુષી છિલ્લરે સમ્રાટ પૃથ્વીરાજની પત્ની મહારાણી સંયોગિતાની ભૂમિકા ભજવી હતી. પૃથ્વીરાજ’ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ ફિલ્મમાં અક્ષય-માનુષી ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ, સાક્ષી તંવર, આશુતોષ રાણા, લલિત તિવારી અને માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.