- પ્રથમ સ્થાને ડેન્માર્કના કોપનહેગનનો સમાવેશ
- ટોરન્ટો, સિંગાપોરનો પણ આ યાદીમાં સમાવેશ
દિલ્હીઃ વિશ્વના 50 સલામત શહેરોમાં ભારતના બે શહેરનો સમાવેશ થાય છે. સલામત શહેરોમાં કોપનહેગન, ટોરન્ટો, સિંગાપોર, સિડની સહિતના શહેરનો પણ સમાવેશ થાય છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં આ યાદી બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગ ડિજિટલ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણીય સલામતી સહિત 76 પરિમાણો પર આધારિત છે.
ડેન્માર્કની રાજધાની કોપનહેગન સલામત શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. આ શહેરને 82 થી વધુ પોઇન્ટ મળ્યા છે, આવી જ રીતે બીજા ક્રમે કેનેડાના ટોરન્ટો શહેરનો સમાવેશ થાય છે. ટોરન્ટોને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની રેન્કિંગમાં 82.2 પોઇન્ટ મળ્યાં છે. 80.7 પોઈન્ટ સાથે સિંગાપોર ત્રીજા ક્રમે છે. આવી જ રીતે 80.1 ગુણ સાથે ઓસ્ટ્રેલિયાના સિડનીનો ચોથા સ્થાને સમાવેશ થાય છે. જાપાનની રાજધાની ટોક્યો 80 પોઈન્ટ સાથે પાંચમા નંબરે છે. યુરોપિયન શહેર એમ્સ્ટરડેમ છઠ્ઠા ક્રમે છે. તેને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 79.3 પોઇન્ટ આપવામાં આવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન 79 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. હોંગકોંગ 78.6 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. ભારતની રાજધાની દિલ્હી સુરક્ષિત શહેરોની યાદીમાં 48 માં નંબરે છે. તેને 56.1 નંબર મળ્યા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈએ 54.4 પોઈન્ટ્સ મેળવીને 50 મો સ્થાન મેળવ્યું છે.