- દિલ્હી-યુપીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે
- ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરાઈ
- હવામાન વિભાગે કરી આગાહી
દિલ્હી:કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પરંતુ થોડી રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે,આવતીકાલથી ઘણા રાજ્યોમાં ફરીથી હીટવેવની સંભાવના છે.રાજધાની દિલ્હીમાં પણ ગરમ હવા ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી, પરંતુ સોમવારથી ફરી ગરમ હવા આવવાની સંભાવના છે. આજે અહીં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગનું કહેવું છે કે,આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરીથી લૂ ચાલવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે,રાજસ્થાનમાં 7 મે થી 9 મે દરમિયાન અને દક્ષિણ હરિયાણા, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં 8 અને 9 મેના રોજ લૂ ની સ્થિતિની અપેક્ષા છે.
ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે,રવિવાર સુધી ગરમ હવાની કોઈ શક્યતા નથી,પરંતુ સોમવારથી ફરી ગરમ હવા આવવાની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે આકાશ આંશિક વાદળછાયું રહેશે.શુક્રવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 અને 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.