Site icon Revoi.in

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું: પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા, AQI 349ને પાર

Social Share

આજે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ નોંધાયું હતું. દિવાળી પહેલા દિલ્હી ગેસ ચેમ્બર બનવા તરફ આગળ વધી રહ્યું છે. હવામાં ધૂળના કણો અને ઝેરી ગેસનું પ્રમાણ પણ વધ્યું છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ સ્તરે પહોંચી ગઈ છે. AQI 349 પર પહોંચી ગયો છે. દિલ્હીના સ્થાનિક લોકોએ કહ્યું કે દિવાળી પહેલા આટલું પ્રદુષણ છે. લોકો ચિંતિત છે અને સરકારે કેટલાક પગલાં લેવા જોઈએ.

દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે
દિલ્હીનો AQI સોનીપત પછી દેશમાં સૌથી વધુ નોંધાયો હતો. દેશના 252 કેન્દ્રોમાંથી, સોનીપત, દિલ્હી, જીંદ અને શ્રી ગંગાનગરમાં AQI ખૂબ જ નબળો રહ્યો. સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે પાણીના છંટકાવ સહિત અન્ય પગલાંને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે, પર્યાવરણ મંત્રીએ ડીટીસી અને મેટ્રોને ફ્રિકવન્સી અને ટ્રિપ્સ વધારવા માટે સૂચના આપી છે. આદેશ બાદ ડીટીસીએ ફ્રીક્વન્સી વધારી દીધી છે. મેટ્રોએ ટ્રીપ્સની સંખ્યામાં 40નો વધારો કર્યો છે. તેમજ મેટ્રોને વધુ ટ્રીપો વધારવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, માર્ગો પર ખાનગી પરિવહન ઘટાડવા માટે વાહન પાર્કિંગ ફીમાં વધારા અંગે જરૂરી પગલાં લેવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. તબીબોએ લોકોને સવારે અને સાંજે બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે.

ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર જોખમી બની ગયું છે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર મોડી સાંજે દિલ્હીના આનંદ વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક બની ગયું હતું. આનંદ વિહારમાં સાંજે 7 વાગ્યે AQI 414 નોંધાયું હતું. જ્યારે જહાંગીરપુરીમાં AQI 384, નરેલામાં AQI 333, મુંડકામાં AQI 383 નોંધાયો હતો.