નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે તેને ‘સ્ટિંગ ઓપરેશન’ ગણાવતો વીડિયો જાહેર કર્યો છે. આમ ભાજપે AAP પર મોટી રકમ કમિશન તરીકે લીધાનો આક્ષેપ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આપ અને અરવિંદ કેજરિવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજેપીનો દાવો છે કે, સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં આરોપી નંબર 13 સની મારવાહના પિતા કુલવિંદર મારવાહે ઈન્ટેલિજન્સ કેમેરા પર AAP સરકાર વતી કમિશન લેવાની વાત કરી છે.
આ વીડિયોમાં ભાજપે દાવો કર્યો છે કે, તેમાં દેખાતી વ્યક્તિ શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે, જે એક્સાઈઝ કેસમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં 13 નંબરનો આરોપી છે. આ વીડિયોના આધારે ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં દારૂની નીતિ દ્વારા દલાલી કમાણી કરવામાં આવી હતી.
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર આરોપ લગાવતા સંબિત પાત્રાએ કહ્યું- સિસોદિયાએ આ કૌભાંડમાં મોટી કમાણી કરી. દારુ નીતિ પર બીજેપીના આક્રમક હુમલા દરમિયાન પાત્રાએ આરોપ લગાવ્યો કે કેજરીવાલે ખૂબ પૈસા કમાયા અમે પાંચ પ્રશ્નો પૂછ્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
બીજેપી પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયાને નવી એક્સાઈઝ પોલિસીને લઈને પાંચ સવાલ પૂછ્યા હતા. જો કે, અમને પ્રશ્નોના જવાબો મળ્યા નથી અને તેથી અમે સ્ટિંગ ઓપરેશન દ્વારા તેનો પર્દાફાશ કરી રહ્યા છીએ. કેજરીવાલની પાર્ટી કટ્ટર ભ્રષ્ટ છે.