Site icon Revoi.in

દિલ્હીઃ કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ હેક

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર એટેકની ઘટના સામે આવી છે. દરમિયાન તાજેતરમાં દિલ્હી એઈમ્સમાં સર્વર પર સાઈબર એટેકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયનું ટિવટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતા સાઈબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ હેક થયું હોવાના અહેવાલ છે. હેકર્સે મંત્રાલયના ટ્વિટર હેન્ડલને હેક કર્યું હતું. સુરક્ષા એજન્સી અને સાયબર એક્સપર્ટે ટ્વિટર હેન્ડલ હેકિંગ સાથે જોડાયેલા કેસની તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. આ પહેલા દિલ્હી એઈમ્સના સર્વર પર પણ સાઈબર એટેક કરવામાં આવ્યો હતો. જે બાદ હેકર્સે સંસ્થા પાસેથી 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી હતી. જો કે, પોલીસ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી અને સર્વર બંધ હોવાના કારણે કેટલાક દિવસો સુધી તમામ કામગીરી જાતે જ કરવામાં આવી હતી.

દિલ્હી AIIMSનું મુખ્ય સર્વર 23 નવેમ્બર ડાઉન થઈ ગયું હતું. નોંધણીની પ્રક્રિયા શરૂ થતાં જ મુખ્ય સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન સેવાઓને ભારે અસર થઈ હતી. રસીદ બનાવવા અને અન્ય તમામ કામોને અસર થવાના અહેવાલોથી હજારો દર્દીઓ પરેશાન થયા હતા. મોડી સાંજ સુધી સર્વર બંધ રહ્યાનું જાણવા મળે છે. જે બાદ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ તપાસમાં સામેલ થયા હતા.