નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠ પૂજા થઈ શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં યમુના કિનારે છઠ પૂજા માટે પરવાનગી માંગવામાં આવી હતી.
દિલ્હી સરકારે યમુના કિનારે છઠ પૂજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ‘પૂર્વાંચલ નવનિર્માણ સંસ્થાન’ નામની સંસ્થાએ તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે છઠ પૂજા ચાલી રહી છે. અમે છેલ્લી ક્ષણે કોઈ આદેશ આપી શકતા નથી. યમુનાને રાતોરાત સાફ કરી શકાતી નથી. હાઈકોર્ટે કહ્યું કે યમુનાનું પાણી એટલું ગંદુ છે કે જો લોકો તેમાં પ્રવેશીને પૂજા કરશે તો તેઓ પોતે બીમાર પડી જશે. અમે આને મંજૂરી આપી શકતા નથી. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે છઠ પૂજા સ્વચ્છતાનો તહેવાર છે. આ વખતે અમને ફક્ત ઘાટ સાફ કરવાની મંજૂરી આપો, જેથી આવતા વર્ષે અમે ત્યાં છઠ પૂજા કરી શકીએ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે યમુના કાંઠાની સફાઈ માટે અલગથી અરજી દાખલ કરો. અમે તમને સાંભળીશું, પરંતુ અમે આ અરજી પર આવો કોઈ આદેશ આપી શકીએ નહીં.
ઉત્તર ભારતમાં છઠ પુજાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ દિલ્હીમાં હવાના પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલું જ નહીં યમુના નદીમાં ફીણ… ફીણ જોવા મળી રહ્યું છે. જેને પરિણામે યમુના નદીના કિનારે છઠ્ઠ પુજાને લઈને સવાલો ઉભા થયાં હતા.