નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, ધરપકડ બાદ કેજરીવાલનું વજન સાત કિલો ઘટી ગયું છે. તેનું કીટોન લેવલ ઘણું ઊંચું છે. આ કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં કેજરીવાલ વતી અરજી દાખલ કરીને વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં ઘેરાયેલા કેજરીવાલને આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP કન્વીનરને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા (હવે નિષ્ક્રિય) દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.