Site icon Revoi.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ આવશેઃ અનેક કાર્યકર્તા આપમાં જોડાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રદેશનું નેતૃત્વ બદલાય ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ-ભાજપના કેટલાક કાર્યકર્તા આપમાં જોડાય તેવી શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીમાં આપ પણ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેના ઉદ્ઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જોડાવાની શક્યતા છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.

સુરત મ્યુનિ કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને કારણે આપને ફાયદો થયો હતો. અને મ્યુનિ.માં એક સબળ વિપક્ષ બન્યો છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં પણ પાટીદાર ફેક્ટરનો લાભ લેવા માટે આપ દ્વારા ભરપુર પ્રયાસ કરવામાં આવશે.દરમિયાન ખોડલધામના અગ્રણી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.