નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આખરે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે. ઈડીએ ગુરૂવારે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. અને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ ધરપકડ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. આપના કાર્યકરો મોટી સંખ્યામાં કેજરીવાલના ઘર પાસે એકઠા થયાં હતા, અને ધરપકડની વિરોધમાં હોબાળો મચાવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો કેજરીવાલના ઘર પાસે ખડકી દેવામાં આવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે EDએ આપોલી સમન્સના કેસમાં ગુરૂવારે કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ EDની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. હાઈકોર્ટે ગુરૂવારે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. EDની ટીમે કેજરીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન અને તેમની પૂછપરછ કરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલના નિવાસસ્થાન બહાર પોલીસ અને RAFનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યો હતો. કેજરીવાલની ધરપકડ થવાની આશંકાને પગલે AAPના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. અને ધરપકડ થયાની જાણ થતાં જ કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, પોલીસે કેટલાક કાર્યકર્તાની અટકાયત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે તેમના 10મું સમન્સ પાઠવ્યા બાદ આ કાર્યવાહી કરી છે. EDએ કેજરિવાલની ધરપકડ કરી ત્યારે ડીસીપી મનોજ કુમાર મીના, ACP રેન્કના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કેસમાં કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવવા છતાં તેઓ ED સમક્ષ હાજર થયા નહોતા.
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઈનકાર કર્યા બાદ ગમે ત્યારે ED ધરપકડ કરશે તેવી દહેશત હતી. અને EDના અધિકારીઓ કેજરીવાલના ઘરે પહોંચતા જ આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ દોડી ગયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેમને ઘરમાં જવા નહોતા દેવાયા. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. ત્યાં પહોંચેલા દિલ્હી કેબિનેટ મંત્રી અતિશીએ કહ્યું કે, કોર્ટે દ્વારા નોટિસ જારી કરાયાના એક કલાકની અંદર ઈડી તેમના નિવાસસ્થાને પહોંચી છે. આના પરથી લાગી રહ્યું છે કે, ઈડી સ્વતંત્ર તપાસ એજન્સી નહીં, પરંતુ ભાજપનું રાજકીય હથિયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, EDએ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની પૂછપરછ કરવા અગાઉ કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા. EDએ કેજરીવાલને અત્યાર સુધીમાં નવ વખત સમન્સ મોકલી ચુકી હતી, તેમ છતાં તેઓ હાજર થયા નહોતા. ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરી અને 17 માર્ચે પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી હતી. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.