Site icon Revoi.in

દિલ્હી: કિસાનોના સમર્થનમાં આજે સીએમ કેજરીવાલ કરશે ઉપવાસ

Social Share

દિલ્લી: આંદોલનકારી ખેડૂત સંઘના નેતાઓએ એક દિવસની ભૂખ હડતાલની ઘોષણા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોમવારે ખેડૂતોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ રાખવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલે પાર્ટીના કાર્યકરો, સમર્થકો અને તમામ દેશવાસીઓને પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉપવાસ કરવા અપીલ કરી છે.

કેજરીવાલે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના મંત્રી અને નેતાઓ ખેડૂતોને દેશદ્રોહી ગણાવીને ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે, આ આંદોલન દેશદ્રોહીનું છે. દેશ વિરોધી લોકો અહીં બેઠા છે. કેજરીવાલે કહ્યું કે, ‘હું પૂછવા માંગુ છું કે, હજારો નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક સરહદ પરના ખેડૂતોને ટેકો આપી રહ્યા છે. આવા હજારો સૈનિકો તેમના ઘરે બેસીને તેમના માટે પ્રાર્થના કરે છે. શું આ બધા દેશો વિરોધી છે? ‘ કેજરીવાલે કહ્યું કે, ભાજપે આવું કરવાની હિંમત ન કરવી જોઈએ. આ દેશના અન્નદાતાઓનું અપમાન છે.

કેજરીવાલે કહ્યું કે, ‘હું તમામ પાર્ટીના સમર્થકો અને દેશ ભરના લોકોને વિનંતી કરું છું કે, આંદોલનકારી ખેડૂતો સાથે એક થઈને સોમવારે એક દિવસનો ઉપવાસ કરે. હું પણ એક દિવસનો ઉપવાસ કરીશ.તો ચાલો આપણે આપણા ઘરેથી તેમને સમર્થન આપીએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં સરકાર પાસે એ પણ માંગ કરી કે, સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની અને ખેડૂતો માટે ન્યુનતમ સમર્થન મૂલ્યને સુનિશ્ચિત કરવા માટે એક નવું બિલ રજૂ કરે. આપ નેતા અને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, 14 ડિસેમ્બરે દેશભરના આપ કાર્યકરો ખેડૂત આંદોલનના સમર્થનમાં સામૂહિક ઉપવાસ કરશે.

આજે આંદોલનનો 19મો દિવસ

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓને પાછા ખેચવાની માંગને લઈને ઘણા ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર મક્કમ થઇને બેઠા છે. કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઇ ચુકી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારના પરિણામો આવ્યા નથી.

આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓએ જણાવ્યું છે કે, તેઓ એક દિવસની ભૂખ હડતાલ પર ઉતરશે અને નવા જિલ્લા કૃષિ કાયદાઓની માંગ માટે દબાણ કરવા તમામ જિલ્લા મુખ્યાલયમાં પ્રદર્શન કરશે.

-દેવાંશી