લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ છતા કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક કારણોસર હું પોતાને અપંગ સમજી શકું છું. 31મી ઓગસ્ટ 2023ના રોજ મને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણુંક અપા હતી. જે માટે પાર્ટીનો આભાર માનુ છું. મે છેલ્લા સાતેક મહિનાથી પાર્ટીને ફરીથી બેઠી કરવામાં અનેક પ્રયાસ કર્યાં છે. જેથી પાર્ટી પહેલા દિલ્હીમાં જેટલી મજબુત સ્થિતિમાં હતી તે સ્થિતિ ફરીથી મેળવી શકે. લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય હોવા છતા પાર્ટીને ફરીથી મજબુત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને રેલી કરવાની સાથે અનેક નેતા-કાર્યકરોને પાર્ટીમાં સામેલ કર્યાં છે.
પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનું કારણ આપતાં અરવિંદર સિંહ લવલીએ લખ્યું, ‘દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવેલા તમામ સર્વસંમતિથી નિર્ણયો પર AICC મહાસચિવ (દિલ્હી પ્રભારી) દ્વારા એકપક્ષીય રીતે વીટો કરવામાં આવ્યો હતો. એઆઈસીસીના જનરલ સેક્રેટરીએ મને ડીપીસીસીમાં કોઈ વરિષ્ઠ નિમણૂક કરવાની મંજૂરી આપી ન હતી. મીડિયા તરીકે અનુભવી નેતાની નિમણૂક માટેની મારી વિનંતીને સદંતર ફગાવી દેવામાં આવી હતી.
કન્હૈયા કુમારનો ઉલ્લેખ કરતા અરવિંદર સિંહ લવલીએ લખ્યું છે કે, ‘ઉત્તર-પૂર્વ દિલ્હીના ઉમેદવાર (કન્હૈયા કુમાર) દિલ્હીના સીએમના ખોટા વખાણ કરી રહ્યા છે અને મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે, પાર્ટી લાઇન અને માન્યતાઓથી વિરોધાભાસી છે. તેમણે દિલ્હીના નાગરિકોની વેદનાને ધ્યાનમાં લીધા વિના શિક્ષણ, આરોગ્ય, રોડ અને પાવર સેક્ટરમાં કરવામાં આવેલા કથિત કામ અંગે AAPના ખોટા પ્રચારને સમર્થન આપ્યું હતું.