નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં છે.
મનીષ સિસોદિયાની રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહ્યા હતા. મંગળવારે સિસોદિયા સીબીઆઈની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતું, પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. કોર્ટે મનિષ સિસોદિયાને હાઈકોર્ટમાં જવાનું સૂચન કર્યું હતું. જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે, મામલો દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં. બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.
સીબીઆઈએ દારૂ કૌભાંડમાં મનિષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી હતી. જેનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને આમ આદમી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર ઉપર એજન્સીઓના દુરઉપયોગનો આક્ષેપ કર્યો હતો. રવિવારે સીબીઆઈએ મનિષ સિસોદિયાની આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. અંતે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી.