CBIએ ક્લીનચીટ આપ્યાનો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો દાવો
નવી દિલ્હીઃ એક્સાઇઝ પોલિસી મામલામાં ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને વારંવાર સવાલોના જવાબ પૂછવામાં આવે છે. જે.પી. નડ્ડાજીને અભિનંદન આપવા માંગુ છું કે, તેઓ ગુંડાગીરીમાં આગળ હતા, ઓપરેશન લોટસમાં આગળ હતા. સીબીઆઈએ ક્લીનચીટ આપી હોવાનો પણ દાવો કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે, આજે તેમના પક્ષના લોકો બાળકની ચોરી કરવા લાગ્યા છે. બાળક ચોર પક્ષના લોકો હવે અન્યો સામે આંગળી ચીંધી રહ્યા છે. રેલવે સ્ટેશન ઉપર સૂઈ જતા પ્રવાસીઓના બાળકોની ચોરી કરે છે.
સિસોદિયાએ કહ્યું કે, હું જવાબદારી સાથે કહેવા માંગુ છું કે અમે ભાજપના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. હવે તેમની પાસે કોઈ પ્રશ્ન નથી. અમે હવે જૂઠાણાનો જવાબ આપી શકતા નથી, કારણ કે દરરોજ એક્સાઇઝ કૌભાંડના પૈસા બદલાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપના તમામ પ્રશ્નો મનઘડત છે. સીબીઆઈને જે પૂછવામાં આવ્યું હતું તે તમામ જવાબો મેં આપ્યા. CBI 14 કલાક મારા ઘરે રહી અને જે પૂછ્યું તેના જવાબ આપવાની સાથે વસ્તુઓ પણ બતાવી છે. જો નડ્ડાજી મારા જવાબથી સંતુષ્ટ ન હોય તો સીબીઆઈને પૂછવું જોઈએ.
તેણે વધુમાં કહ્યું કે, બેંક લોકર હમણાં જ બતાવ્યું છે, તેમાં કુલ 70-80 હજાર રૂપિયા મળ્યા છે. મને ક્લીનચીટ મળી છે. એજન્સીને એક પણ પૈસાની ગેરરીતિ જોવા મળી નથી. આ મારા માટે CBIની ક્લીનચીટ છે.