નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલા સંજય સિંહની જામીન અરજી પર શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ અરજી પર પોતાની દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે, તેની પાસે સંજય સિંહ વિરુદ્ધ ઘણા સાક્ષીઓ છે. તપાસ એજન્સીએ તેને દારૂની નીતિનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો.
EDએ કોર્ટને જણાવ્યું કે, સર્વેશ મિશ્રાએ આમ આદમી પાર્ટીના સાંસદના નિર્દેશ પર જ પંજાબના દારૂના વેપારીઓ પાસેથી પૈસા લીધા હતા. તેઓ દારૂની પોલીસી બનાવવાનો અને તેના બદલામાં લાભ લેવાના માસ્ટર માઇન્ડ છે. અમારી પાસે રોકડ વ્યવહારોના પુરાવા પણ છે, જે કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) દ્વારા સાબિત થાય છે.
એજન્સીએ કહ્યું કે, આ કેસના અન્ય આરોપી સમીર મહેન્દ્રુએ પણ તેમને 3 કરોડ રૂપિયા આપ્યા હતા. આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ પણ આ વાતની કબૂલાત કરી છે. રેસ્ટોરેચર દિનેશ આ કેસમાં સરકારી સાક્ષી બન્યા છે. એજન્સીએ કહ્યું કે, માત્ર FIRમાં નામ અને સાક્ષીઓના નિવેદનના આધારે ધરપકડને ખોટી કહેવું યોગ્ય નથી.
તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, ગૌતમ મલ્હોત્રા, મનીષ સિસોદિયા અને સંજય સિંહના નામ શરૂઆતમાં આ કેસમાં આવ્યા ન હતા કારણ કે ત્રણેય લોકો ખૂબ જ પ્રભાવશાળી હતા. તેથી, સાક્ષીએ ડરના કારણે પહેલા તેમના નામ લીધા ન હતા, પરંતુ પછીથી પોતાની સુરક્ષાની ખાતરી મળતાં તેણે તેમના નામ લીધા હતા. EDને સર્ચ ઓપરેશન દરમિયાન તેના ઘરેથી કેટલાક ગોપનીય દસ્તાવેજો પણ મળ્યા હતા, જેને જોઈને લાગે છે કે સંજય સિંહ EDના કેટલાક કર્મચારી દ્વારા તેની તપાસ પર નજર રાખી રહ્યા હતા. આ સાથે EDએ પોતાની દલીલ પૂરી કરી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 12 ડિસેમ્બરે થશે અને તે દિવસે સંજય સિંહના વકીલ EDની દલીલોનો જવાબ આપશે.