દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી
નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઈડી તરફથી 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે જણાવાયું હતું કે, ડિજીટલ પુરાવાઓને લઈને તપાસ કરવાની છે. ડિજીટલ ડેટા એકત્ર કરવાના છે અને અન્ય કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવાની છે. અત્યાર સુધીમાં 239 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી છે, ગઈકાલે સંજય સિંહના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. દિનેશ અરોડાના કર્મચારીએ સંજય સિંહને તેમના ઘરે જ રૂ. 2 કરોડની રોકડ આપી હતી. રૂ. એક કરોડ તેમણે ઈન્ડોસ્પિરિટ્સ મારફતે લીધા હતા.
ઈડીની રિમાન્ડ અરજીનો વિરોધ કરતા સંજય સિંહ તરફથી હાજર રહેતા વકીલે રજુઆત કરી હતી કે, આ મામલની તપાસ ચાલુ છે અને ક્યારેય ખતન નહીં થાય, આ કેસમાં મુખ્ય સાક્ષી મનાતો દિનેશ અરોડાને પહેલા તપાસ એજન્સીઓએ આરોપી બનાવ્યો હતો. જે બાદ તે આ કેસમાં મુખ્ય સાક્ષી બની ગયો હતો. કોર્ટે સુનાવણીના અંતે સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા.