Site icon Revoi.in

દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે ED ના દરોડા

Social Share

દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ બાદ હવે EDની ટીમ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ED હાલમાં મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પાડી રહી છે. EDએ દિલ્હીના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આજે એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડી રહી છે. ગયા વર્ષે અમાનતુલ્લાહ ખાન પર વક્ફ બોર્ડની જમીનને લઈને કૌભાંડનો આરોપ લાગ્યો હતો. આ આરોપના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેના ઘર પર દરોડા પાડ્યા છે. ગયા વર્ષે એન્ટી કરપ્શન બ્યુરોએ દિલ્હીમાં અમાનતુલ્લાહ ખાન સાથે જોડાયેલા 5 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે દરોડામાં રૂ. 12 લાખ રોકડા, 1 લાઇસન્સ વગરની બેરેટા પિસ્તોલ અને 2 અલગ-અલગ બોરના કારતુસ મળી આવ્યા હતા.

આ મહિનાની 4 તારીખે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે પણ દરોડા પાડ્યા હતા. EDને ત્યાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. સંજય સિંહના ઘર પર EDનો દરોડો લગભગ 8 કલાક સુધી ચાલ્યો હતો જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.