દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન કેટલાક લોકો કોરોનાને નામે લોકો પાસેથી નાણા પડાવતા લોકો પણ સક્રિય થયા છે. દિલ્હીના ડીએલએફ-3 વિસ્તારમાંથી સીએમ ફ્લાઈંગ સ્કવોડ અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને નાણા લઈને કોવિડ-19નો નકલી પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપતી લેબનો પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ આરંભી હતી.
મુખ્યમંત્રીની ફ્લાઇંગ સ્ક્વોડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે DLF ફેઝ-3 વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને કોવિડના નકલી રિપોર્ટ બનાવતી ખાનગી લેબનો પર્દાફાશ કર્યો હતો. લેબ પર લોકો પાસેથી મોટા પૈસા લેવાને જરૂરિયાત મુજબ કોવિડના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ્સ તૈયાર કરવાનો આરોપ છે. તપાસ ટીમે બનાવટી રિપોર્ટ, લેપટોપ, પ્રિન્ટર, સ્ટેમ્પ, ફોન અને દસ્તાવેજો અને સાડા 12 હજાર રૂપિયા રોકડા સાથે સ્થળ પરથી લેબના કર્મચારીને ઝડપી લીધો હતો. ટીમની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ DLF ફેઝ-3 પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી હતી. દરોડા બાદ લેબ ઓપરેટર ફરાર થઈ ગયો હતો.
મુખ્યમંત્રીની ફ્લાઈંગ સ્કવોડની ટીમને માહિતી મળી હતી કે DLF ફેસ-3માં નાથુપુર રોડ પર ઘર નંબર NR-24માં એક લેબ ચાલી રહી છે. પૈસા લઈને લેબમાં કોવિડ ટેસ્ટનો નકલી પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવે છે. આ અંગેની માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીની ફ્લાઈંગ સ્કવોડની સંયુક્ત ટીમે લેબમાં દરોડો પાડ્યો હતો.
(PHOTO-FILE)