દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી. આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. લગભગ 4 કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
દિલ્હી ફાયર સર્વિસીસ (ડીએફએસ)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે પોતાના એક્સ હેન્ડલ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ડીએફએસના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, 11 કામદારો મૃત્યુ પામ્યા. વિસ્ફોટના કારણે ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી અને કામદારો ફેક્ટરીની અંદર ફસાઈ ગયા હતા અને તેમને બચાવી શકાયા ન હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર અલીપુર વિસ્તારમાં પેન્ટ ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફેકટરીના સંકુલમાં ચારેય તરફ મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર અલીપુરના દયાલપુર બજારમાં સ્થિત ફેકટરીમાં 11 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા હતા. અહીં કેમિકલ રાખવાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આગની ઝડપમાં અન્ય આઠેક દુકાનો પણ આવી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની 22થી વધારે ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ મોડી રાતના આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી કે, બ્લાસ્ટ ગોડાઉનમાં રખાયેલા કેમિકલના કારણે થયો હતો. જ્યોતિ (ઉ.વ. 42), દિવ્યા (ઉ.વ. 20), મોહિત સોલંકી (ઉ.વ. 34) અને પોલીસ કોન્સ્ટેબલ કરમવીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહનો હોસ્પિટલમાં મોકલી આપીને તેમની ઓળખ મેળવા માટે કવાયત શરુ કરવામાં આવી છે. તેમજ આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.