Site icon Revoi.in

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીમાં રાજકુમાર આનંદ આમ આદમી પાર્ટીની ટીકીટ ઉપર પટેલનગર બેઠકના ધારાસભ્ય બન્યાં હતા.

પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકુમારે જણાવ્યું હતું કે, હું દિલ્હી સરકારમાં મંત્રી હતો અને મારી પાસે સાત પોર્ટફોલિયો હતા પરંતુ આજે ખુબ વ્યથિત છું અને મારુ દુઃખ વ્યક્ત કરું છું. હું રાજકારણમાં આવ્યો ત્યારે અરવિંદ કેજરિવાલે કહ્યું હતું કે, રાજનીતિ બદલાશે તો દેશ બદલાશે. જો કે, આજે અફસોસ સાથે કહી રહ્યો છું કે, રાજનીતિ બદલાઈ નથી પરંતુ રાજનેતા બદલાઈ ગયા છે.

રાજકુમાર આનંદે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર સામેના આંદોલનથી થઈ હતી પરંતુ આજે આ પાર્ટી ખુદ ભ્રષ્ટાચારના કીચડમાં ફસાયેલી છે. મારા માટે મંત્રી પદ ઉપર રહેવુ અને સરકાર માટે કામ કરવુ માટે અસહજ બની ગયું છે. હવે આ પાર્ટી, સરકાર અને મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી રહ્યું છે કેમ કે, તેમના ભ્રષ્ટાચારમાં મારુ નામ સામેલ કરવા માંગતો નથી.