દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડમાં વધારો કર્યો, સીએમ આતિશીની જાહેરાત
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં MLA LAD ફંડમાં મોટા વધારાની જાહેરાત કરી છે. એમએલએ ફંડને વધારીને 15 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય કરવામાં આવ્યું છે, હાલમાં તે વાર્ષિક 10 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય હતું. દિલ્હીનું એમએલએ ફંડ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારની કેબિનેટે આજે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે મુખ્યમંત્રી આતિશીએ આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દેશના અન્ય કોઈ રાજ્યમાં આટલું ધારાસભ્ય ફંડ નથી. ગુજરાત રૂ. 1.5 કરોડ આપે છે, આંધ્રપ્રદેશ-કર્ણાટક રૂ. 2 કરોડ આપે છે. અમારી સરકાર સમગ્ર દેશમાં સૌથી વધુ એમએલએ ફંડ આપે છે. દિલ્હી સરકાર લોકો માટે કામ કરતી રહેશે.
મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં કામ કરી શકે તે માટે આ ફંડ વધારવામાં આવ્યું છે. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. રસ્તાઓ અને ફૂટપાથને નોંધપાત્ર નુકસાન થયું છે. ગટરની સમસ્યા પણ છે. ભાજપાના ધારાસભ્યો મને મળ્યા હતા અને આ માંગ કરી રહ્યાં હતા.