નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ પણ જોઈ હતી. કેજરીવાલ દારૂ ગોટાળા સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં 9 સમનને અવગણી ચુક્યા છે અને તેમને ધરપકડની આશંકા સતાવી રહી છે.
કોર્ટે કહ્યું છે કે આ સ્તર પર અમે વચગાળાની રાહત આપવા માટે ઈચ્છુક નથી. કોર્ટે આ નવી વચગાળાની અરજી પર ઈડીનો જવાબ માંગ્યો અને મામલાને 22 એપ્રિલ , 2023 માટે યાદીબદ્ધ કરી દીધો. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની કોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી રજૂ થયા. તો ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજૂએ દલીલો રજૂ કરી હતી.
સિંઘવીએ દિલ્હીના સીએમ માટે દંડાત્મક કાર્યવાહીથી સંરક્ષણ માંગ્યું હતું. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ કહ્યુ છે કે કેજરીવાલની આ એપ્લિકેશનના મુખ્ય મામલાની સાથે જ સાંભળવો જોઈએ. આના પર આજે સુનાવણી થઈ શકે નહીં, તેને મુખ્ય મામલાની સાથે જ સાંભળવો જોઈએ. સિંઘવીએ કહ્યુ છે કે ઈડી જવાબ દાખલ કરવામાં ચાહે તેટલો સમય લે. કેજરીવાલ વિરુદ્ધ ત્યાં સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ નહીં. એએસજી એસ. વી. રાજૂએ કહ્યુ છે કે પહેલા એ નક્કી થાય કે અરજી સુનવણી યોગ્ય છે કે નહીં. કોર્ટે સવાલ કર્યો કે શું તમે સમનનો જવાબ આપ્યો છે. સિંઘવીએ જણાવ્યુ કે કેજરીવાલે દરેક વખતે જવાબ આપ્યો છે.
ઓક્ટોબરથી જ મોકલાય રહેલા સમનને લઈને કોર્ટે સવાલ કર્યો કે તમે ત્યાં કેમ જવા માંગતા નથી. તો કેજરીવાલ તરફથી કહેવામાં આવ્યું કે જો ઈડીએ આટલી રાહ જોઈ છે, તો હવે ચૂંટણી સુધી કરી લે. હું સરકારનો મુખર આલોચક છું. માટે મારી સામે બદલો લેવાય રહ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે ઈડીને એ પણ પુછયું કે શું કેજરીવાલ વિરુદ્ધ પુરાવા છે? તેના પર ઈડીએ જવા આપ્યો કે હા તેમની વિરુદ્ધ પુરાવા છે. કોર્ટે પુરાવા જોવાની ઈચ્છા વ્યક્ત કરી. કોર્ટે લંચ બાદ અઢી વાગ્યે કેજરીવાલ સામેના પુરાવા જોવાની માગણી કરી છે. એસએસજી એસ. વી. રાજૂએ કહ્યુ કે અમે તેમને વ્યક્તિગત રીતે બોલાવી રહ્યા છીએ. તેમને બોલાવવા માટે સામગ્રી છે. તેના પર ખંડપીઠે કહ્યું કે આ સ્ટેજ પર જો આ સ્થિતિ છે, તો અમને સામગ્રી દેખાડો, જેના આધારે તમે બોલાવી રહ્યા છો. અમે જોવા માંગીએ છીએ કે શું સ્થિતિ છે. એએસજીએ પુરાવાની ગોપનિયતાની અીલ કરી. તેના પર જજોએ ચેમ્બરમાં જ ઈડીની ફાઈલ મંગાવી લીધી.
ફાઈલ જોયા બાદ જ્યારે બેંચ ફરીથી બેઠી તો કોર્ટે એએસજી રાજૂને પુછયું કે તમને ધરપકડથી કઈ બાબતે રોક્યા છે. તમે વારંવાર સમન કેમ મોકલી રહ્યા છો. તેના પર રાજૂએ કહ્યુ કે અમે ક્યારેય પણ નથી કહ્યું અમે ધરપકડ કરવા જઈ રહ્યા છીએ. શક્તિ તો છે. તમે આવો તપાસમાં સામેલ થાવ. અમે તમને એરેસ્ટ પણ કરી શકીએ છીએ અને ન પણ કરીએ.