- અસ્થાના કેસની તપાસ માટે સીબીઆઈએ માંગ્યો સમય
- 9 ઓક્ટોબરે થશે મામલાની આગામી સુનાવણી
સીબીઆઈના ભૂતપૂર્વ સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે જોડાયેલા મામલાની સુનાણી હવે 9 ઓક્ટોબરે થશે. સીબીઆઈએ આ કેસ તપાસ માટે દિલ્હી હાઈકોર્ટ પાસેથી વધારે સમય માંગ્યો છે.
હાઈકોર્ટે સીબીઆઈને આ કથિત ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સીબીઆઈએ માગણી કરી હતી કે આ મામલાની તપાસ માટે તને વધારે સમય આપવામાં આવે.
અસ્થાના સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રહી ચુક્યા છે. ગત વર્ષ ઓક્ટોબરમાં સીબીઆઈએ તત્કાલિન સીબીઆઈ સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ લેવાનો કેસ દાખલ કર્યો હતો. અસ્થાના પર મની લોન્ડ્રિંગના એક મામલામાં મીટ કારોબારી મોઈન કુરૈશી પાસેથી મામલાનો નિપટારો કરવા માટે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.
સીબીઆઈએ કહ્યું હતું કે હૈદરાબાદના સતીષ બાબુની ફરિયાદ બાદ રાકેશ અસ્થાના, દેવેન્દ્ર અને બે અન્ય વ્યક્તિ, મનોજ પ્રસાદ અને સોમેશ્વર પ્રસાદ વિરુદ્ધ 15 ઓક્ટોબરે એફઆઈઆર દાખલ કરવામાં આવી. સીબીઆઈનો આરોપ હતો કે ડિસેમ્બર-2017થી ઓક્ટોબર-2018ના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી પાંચ વખત લાંચ લેવામાં આવી હતી.
તેના પછી અસ્થાનાએ ખુદ પર લગાવવામાં આવેલા લાંચના આરોપમાં ધરપકડથી વચગાળાની રાહત અને એફઆઈઆર રદ્દ કરવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તો કેન્દ્ર સરકારે આલોક વર્મા પાસેથી સીબીઆઈ ડાયરેક્ટરનો પ્રભાર પાછો લઈ લીધો અને નાગેશ્વર રાવને ચાર્જ સોંપ્યો હતો. ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ વિરોધ કર્યો અને તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
કોર્ટે કેન્દ્ર સરકારને આંચકો આપતા વર્માને પદ પર બહાલ કરવાનો આદેશ આપ્યો હતો. તેના પછી 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સદસ્યની સમિતિએ 2-1ની બહુમતીથી આલોક વર્માને સીબીઆઈ ડાયરેક્ટર પદેથી હટાવ્યા હતા.