દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી શકે છે. IMD પહેલાથી જ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી જારી કરી ચૂક્યું છે. તે જ સમયે, માહિતી અનુસાર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
બીજી તરફ રાજધાની દિલ્હીની વાત કરીએ તો તે પણ આકરી ગરમીની ઝપેટમાં આવી ગયું છે. ગુરુવારે અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. તેમજ 17 એપ્રિલ સુધીમાં દિલ્હીનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે.
આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. બીજી તરફ એનસીઆર ક્ષેત્રની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવતીકાલે એટલે કે 15 એપ્રિલ અને 16 એપ્રિલે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન સહિત પંજાબમાં 16 એપ્રિલે હળવા ઝરમર વરસાદની શક્યતા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે.