નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માર્ચ મહિનામાં, દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાંથી લગભગ 15 ટકા એકલા ઇલેક્ટ્રિક વાહનો હતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા ડેટા અનુસાર, માર્ચ મહિનામાં દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કોઈપણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા છે. એક વર્ષમાં દિલ્હીમાં એક લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનોના નોંધાયાં છે.
પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં માર્ચ મહિનામાં 7,917 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે, જેમાં લગભગ 20 ટકા ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો અને 12 ટકા થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. ગયા મહિને રાજ્યમાં કુલ 53,620 વાહનો નોંધાયા છે, જેમાં ICE એન્જિનનો આંકડો પણ સામેલ છે. વિભાગનું કહેવું છે કે, દિલ્હી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ એક વર્ષમાં 1.12 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. આ નીતિ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં લાગુ કરવામાં આવી હતી.
દિલ્હી પરિવહન વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે માર્ચ મહિનામાં કુલ 7,917 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જેમાં દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાં EVનો હિસ્સો 14.8% હતો. આ આંકડો અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં સૌથી વધુ છે. તેમજ ફોર-વ્હીલરના વેચાણમાં એકલા EVનો હિસ્સો 20% છે.
ગત જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં કુલ 5,576 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે જાન્યુઆરીમાં કુલ 59,520 વાહનોનું વેચાણ થયું હતું. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં કુલ 48,728 વાહનોનું વેચાણ થયું હતું, જેમાંથી એકલા ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 5,268 યુનિટ હતી. આ આંકડા દર્શાવે છે કે દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને લોકો ઈલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપી રહ્યા છે.
(Photo-File)