નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત થાય તેવી શકયતાઓ નહીંવત છે. અરવિંદ કેજરીવાલ મધ્પપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના પ્રચાર-પ્રસાર માટે મધ્યપ્રદેશ જવાના છે.
ઈડીની નોટિસના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પૂછપરછ માટે મોકલવામાં આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે. હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે પણ મોકલવામાં આવ્યો હતો. નોટિસ તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. તેમજ આ મામલે તેમણે ભાજપા ઉપર પણ આકરાપ્રહાર કરતા કહ્યું હતું કે, ઈડીની નોટિસ મને મળી તે પહેલા ભાજપના નેતાઓને આ અંગેની જાણ થઈ ગઈ હતી. તેમજ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા અટકાવવા માટે આ નોટિસ મોકલવામાં આવી છે.
ઈડીની નોટિસને પગલે આજે અરવિંદ કેજરીવાલને આજે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું હતું. જો કે, તેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થવાના છે. ખરેખર, અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બપોરે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રોડ શો કરવાના છે. જેથી તેઓ ઈડી સમક્ષ ઉપસ્થિત થાય તેવી શકયતાઓ ખુબ જ ઓછી છે.
AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સિસોદિયાની ધરપકડ ઉપરાંત EDએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડને લઈને ED ધીમે ધીમે AAPના ઘણા નેતાઓ સામે પુરાવાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે EDએ દિલ્હીના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા હતા.