દિલ્હી:નજફગઢ-ઢાંસા બસ સ્ટેન્ડ વચ્ચે આજથી મેટ્રો દોડશે,પુરી અને કેજરીવાલ કરશે ઉદ્ઘાટન
- નઝફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ કોરિડોર વચ્ચે આજથી મેટ્રો દોડશે
- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી-દિલ્હીના મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન
- આ વિભાગનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે
દિલ્હી મેટ્રોની ગ્રે લાઇનના નજફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ વિભાગ પર પેસેન્જર સેવા શનિવાર સાંજથી શરૂ થવા જઈ રહી છે. આ લાઇન મારફતે નઝફગઢના આંતરિક વિસ્તારોમાં મેટ્રોને પ્રવેશ મળશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે બપોરે તેનું ઉદ્ઘાટન કરવાના છે.
કનેક્ટિવિટીની સમસ્યાઓના કારણે તેનું ઉદ્ઘાટન એક મહિના મોડું થયું છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે,આ વિભાગ પર પેસેન્જર સેવાઓ શનિવારે સાંજે 5 વાગ્યે શરૂ થશે.
આ વિભાગનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે,કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર અને દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પણ હાજર રહેશે. લગભગ એક કિલોમીટર લાંબો (891 મીટર) નજફગઢ-ઢાંસા બસ સ્ટેન્ડ વિભાગ નજફગઢના આંતરિક વિસ્તારોમાં મેટ્રોને પ્રવેશ આપશે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઢાંસા બસ સ્ટેન્ડ સ્ટેશન પર ભૂમિગત સંકલિત પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવી છે, જેથી મુસાફરોને સુવિધા મળી શકે. દ્વારકા-નજફગઢ- ઢાંસા બસ સ્ટેન્ડ કોરિડોર પર આ પહેલું ભૂમિગત મેટ્રો સ્ટેશન હશે. વાહનો પાર્કિંગ માટે સમગ્ર ભૂમિગત માળ હશે.