Site icon Revoi.in

દિલ્હીઃ તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટરોને દેશની વિવિધ જેલમાં શિફ્ટ કરાશે

Social Share

નવી દિલ્હીઃ તિહાર જેલમાં બંધ ગેંગસ્ટરોને હવે અન્ય રાજ્યોની જેલોમાં શિફ્ટ કરવાની જેલતંત્રએ કવાયત શરુ કરી છે. જેલ પ્રશાસન તરફથી દિલ્હી સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાને ટાંકીને ગુંડાઓને દેશની અન્ય સુરક્ષિત જેલોમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. તિહાર જેલમાં અનેક કુખ્યાત ગુનેગારો સજા ભોગવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ જેલમાં બે જૂથ વચ્ચેની અથડામણની ઘટના બની હતી. જેથી આવી ઘટનાઓ અટકાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે.

સરકારને મોકલવામાં આવેલી દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે કે, ખતરનાક ગુનેગારોને દેશભરની અલગ-અલગ જેલોમાં શિફ્ટ કરવામાં આવે. તિહાર જેલમાં બંધ મોટા ગુનેગારો અને ગેંગસ્ટરોને કેરળથી જમ્મુ-કાશ્મીરની જેલોમાં શિફ્ટ કરવા જોઈએ. જો કે, જેલ પ્રશાસન આ અંગે સત્તાવાર રીતે હાલ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યું છે. તિહાર જેલમાં 10 થી વધુ ગેંગસ્ટર અને 100થી વધારે તેમના સાગરિતો બંધ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, તિહાર જેલમાં સુરક્ષાની દ્રષ્ટિએ ઉચ્ચ સુરક્ષા વોર્ડ સહિત વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારો અને તેમના સાગરિતો પોતાની હરકતને છુપાવવા માટે સીસીટીવી કેમેરા બંધ કરતા પણ અચકાતા નથી. 20 ફેબ્રુઆરી, 2023 ના ડેટા અનુસાર, તિહારમાં હાલમાં કુલ 13,000 કેદીઓ કેદ છે. જ્યારે તિહારમાં કેદીઓની ક્ષમતા કુલ 5200 કેદીઓની છે.

ગેંગસ્ટર તિલ્લુ તાજપુરિયા અને પ્રિન્સ તેવટિયાની હત્યા બાદ તિહાર જેલની સુરક્ષા પર સતત સવાલો ઉઠી રહ્યા છે. જેલ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ટ્રાન્સફર ઓફ પ્રિઝનર એક્ટમાં સુધારો કરવામાં આવે જેથી ગુનેગારોને કોઈપણ રાજ્યની જેલમાંથી અન્ય રાજ્યની જેલમાં ટ્રાન્સફર કરી શકાય. હાલમાં નિયમ એવો છે કે કેદીઓને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે જે તે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે.