દિલ્હીઃ AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચાયો
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના મુખ્ય વહીવટી અધિકારી દેવ નાથ સાહને લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને પત્ર લખીને આ અંગે જાણ કરી છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS દિલ્હીમાં સાંસદો માટે તબીબી સંભાળની વ્યવસ્થા અંગે AIIMSના ડિરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસના પત્રને તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને AIIMSમાં વર્તમાન સાંસદો માટે તબીબી સંભાળની વ્યવસ્થા અંગે AIIMSના ડાયરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસ દ્વારા લખેલા પત્રને તાત્કાલિક રદ કરવા અંગે પત્ર લખ્યો છે.
માહિતી અનુસાર, દિલ્હી સ્થિત AIIMSએ સાંસદો માટે સારવારની સુવિધાઓને સુવ્યવસ્થિત કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી હતી. આ SOP હેઠળ, સાંસદોની સારવાર અને સંભાળની વ્યવસ્થાના સંકલન માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવાની હતી. જો કે, ડોકટરોના એક વર્ગે તેને ‘વીઆઈપી કલ્ચર’ ગણાવી ટીકા કરી હતી.