દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં 163 ડેન્ગ્યુ અને 54 મેલેરિયાના કેસ નોંધાયા
- ચોમાસું આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો
- દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાયા
દિલ્હી : ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે. હાલમાં શહેરમાં સરકારી દવાખાના હોય કે અર્બન હેલ્થ સેન્ટર કે પછી ખાનગી હોસ્પિટલ જ્યાં જાઓ ત્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળા કરતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે.જેના કારણે દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાયા છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં આ વર્ષના મધ્ય જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 160 થી વધુ કેસ નોંધાયા છે, જે 2018 પછીના સમયગાળા માટેનો સૌથી વધુ આંકડો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ સોમવારે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. MCDના એક રીલીઝ મુજબ,આ સમયગાળા દરમિયાન મેલેરિયાના 54 કેસ નોંધાયા છે.
દિલ્હી સરકારે મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે એક વ્યાપક એક્શન પ્લાન બહાર પાડ્યો છે, જે અંતર્ગત શહેરમાં પ્રવર્તતા ડેન્ગ્યુ વાયરસના સીરોટાઇપને શોધવા માટે પગલાં લેવામાં આવશે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં રાખવાની તૈયારીઓ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
જો કે, દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે સોમવારે કહ્યું હતું કે ઘણા વિસ્તારોમાં પૂરને કારણે આ વર્ષે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સંબંધિત વિભાગોને મચ્છરોના પ્રજનનને રોકવા અને યમુનાના પાણીમાં છોડવામાં આવતા કાંપ અને કાદવને સાફ કરવા માટે પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.