- દિલ્હી સેવા બિલ બન્યો કાયદો
- રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી
- ભારત સરકારનું જાહેરનામું જારી
દિલ્હી: રાષ્ટ્રપતિએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. હવે તે દિલ્હીમાં કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) એકટ 2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે.
સરકારે કહ્યું કે, આ અધિનિયમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) અધિનિયમ,2023 કહેવામાં આવશે. તે 19 મે, 2023 થી લાગુ ગણવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ, 1991 ની કલમ 2 માં ખંડ (e) માં કેટલીક જોગવાઈઓ દાખલ કરવામાં આવી હતી.’લેફ્ટનન્ટ ગવર્નર’ નો અર્થ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી માટે બંધારણના અનુચ્છેદ 239 હેઠળ નિયુક્ત કરાયેલ પ્રશાસક અને રાષ્ટ્રપતિ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીના અધિકારીઓના સસ્પેન્શન અને તપાસ જેવી કાર્યવાહી કેન્દ્રના નિયંત્રણ હેઠળ હશે. મણિપુર હિંસા પર લોકસભા અને રાજ્યસભા બંનેમાં હંગામા વચ્ચે 1 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના વિપક્ષી દળો આ બિલના વિરોધમાં જોવા મળ્યા હતા.
દિલ્હી સેવા બિલ પર ચર્ચા બાદ 1 ઓગસ્ટની સાંજે રાજ્યસભામાં મતદાન થયું હતું. જેમાં દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં 131 મતોથી પસાર થયું હતું. બિલના વિરોધમાં માત્ર 102 વોટ પડ્યા હતા. રાજ્યસભામાં મતદાન માટે સૌથી પહેલા મશીન દ્વારા મતદાનની જોગવાઈ સમજાવવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ ઉપાધ્યક્ષે જાહેરાત કરી હતી કે મશીનમાં કોઈ ખામી છે તેથી ચિટ્ઠી દ્વારા મતદાન થશે. આ પહેલા વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે લોકસભામાં આ બિલને વોઈસ વોટથી પસાર કરવામાં આવ્યું હતું.