દિલ્હીઃ JNU માં હવે વિદ્યાર્થીઓ ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, દંડની સાથે પ્રવેશ રદની કાર્યવાહી થશે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના કારણે વિવાદોમાં આવી ચુકેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી રાજકારણીએ માટે રાજકીય અખાડો ના બને તે માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી સંકુલમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, જો વિદ્યાર્થીઓ આવુ કંઈ પણ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહીની સાથે પ્રવેશ રદ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંચાલકો દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તેમજ આ નિર્ણય સામે આંદોલન શરુ કર્યું છે.
સુત્રોના જમાવ્યા અનુસાર 2016માં ડાબેરી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની ફાંસી વિરુદ્ધ JNUમાં પ્રદર્શન કર્યું ત્યારે આ વિવાદનો પડઘો દેશભરમાં પડ્યો હતો. એટલું જ નહીં તે પછી ચાર વર્ષ બાદ JNU ફરી વિવાદમાં આવ્યું હતું. કેમ્પસમાં, માસ્ક પહેરેલા લોકો હોસ્ટેલમાં ઘૂસી ગયા અને વિદ્યાર્થીઓની સાથે મારામારી કરી હતી. જે બાદ ઉગ્ર દેખાવો થયા હતા, પરંતુ હવે જો JNU કેમ્પસમાં આવું થશે તો વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
JNU વહીવટી તંત્રએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આનો ભંગ કરનારને 20,000 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા પર 10,000 રૂપિયાનો દંડ અને પરવાનગી વગર પાર્ટી કરવા પર 6,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, આરોપી વિદ્યાર્થીઓનું એડમિશન પણ કેન્સલ થઈ શકે છે. યુનિવર્સિટીના આદેશ બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેએનયુ પ્રશાસનના આ આદેશ બાદ વિદ્યાર્થીઓએ પોતાની નારાજગી દર્શાવી અને તેને તુગલકી ફરમાન ગણાવ્યું હતું. આ મામલે જેએનયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી પંડિતે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે માત્ર જેએનયુ જ નહીં પરંતુ અન્ય યુનિવર્સિટીઓ પણ છે. પ્રદર્શન પણ હોવું જોઈએ પરંતુ તે શૈક્ષણિક હેતુઓ માટે હોવું જોઈએ. આ માર્ગદર્શિકા લગભગ 10 વર્ષથી છે. આ ભારતીય બંધારણ હેઠળ છે. યુનિવર્સિટી વહીવટીતંત્ર સ્પષ્ટપણે કહ્યું હતું કે, જૂના આદેશમાં સુધારો કરીને ફરીથી અમલ કરવામાં આવ્યો છે. શાંતિશ્રી પંડિતે જણાવ્યું કે એક વર્ષ પહેલા જન્મદિવસની પાર્ટીમાં ઘણી હિંસા થઈ હતી, 10 વિદ્યાર્થીઓને રિસ્ટિગેટ કરવામાં આવ્યા હતા. આ નિયમ આ વર્ષે માર્ચમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓના હોબાળા બાદ યુનિવર્સિટી પ્રશાસને આ નિયમ પાછો ખેંચવો પડ્યો હતો