નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નાણામંત્રાલય દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે બજેટ સત્ર 1 લી ફેબ્રુઆરીએ નહીં પરંતુ 31મી જાન્યુઆરીથી શરૂ થશે. આગામી બજેટ સત્રમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સરકારને ઘેરવાની રૂપરેખા પણ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે. બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધશે. રાષ્ટ્રપતિના સંબોધનમાં સામાન્ય રીતે સરકારની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓની વિગતો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષના સંબોધનમાં પણ મોદી સરકાર દ્વારા તેની ભાવિ યોજનાઓ અને સિદ્ધિઓની બ્લુ પ્રિન્ટ બતાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી શકે છે
31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ પૂરું થયા પછી સરકાર દ્વારા સંસદના બંને ગૃહોમાં આ વર્ષનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. કોરોનાની દુર્ઘટના છતાં ગયા વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો જોવા મળ્યા હતા. ઈકોનોમિક સર્વેમાં અર્થવ્યવસ્થાને લઈને ઉદ્ભવતા પડકારો અને તેનો સામનો કરવા માટે સરકારની તૈયારીઓનો હિસાબ રજૂ કરવામાં આવશે.
બજેટ સત્રનું સૌથી મહત્ત્વનું પાસું 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સામાન્ય બજેટની રજૂઆત સાથે સંબંધિત તેમનું ભાષણ શરૂ કરશે. બજેટની દિશા કેવી રહેશે તેની એક ઓળખ આર્થિક સર્વેમાં પણ જોવા મળશે. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીના ધમાસાણ વચ્ચે રજૂ થઈ રહેલા બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થવાની સંભાવના છે. બજેટમાં જ્યાં સામાન્ય નોકરિયાત લોકો ટેક્સમાં છૂટની આશા સેવી રહ્યા છે ત્યાં કોરોના મહામારીથી પરેશાન વેપારી વર્ગ પણ રાહતની આશા સેવી રહ્યો છે. તેવી શક્યતા છે.
શેડ્યૂલ અનુસાર બે ભાગમાં યોજાનાર બજેટ સત્રનો પહેલો ભાગ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. સામાન્ય બજેટ ઉપરાંત, આ ભાગનો બીજો મહત્વનો ભાગ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા છે. આ વખતે લોકસભામાં પ્રસ્તાવ પર ચર્ચા માટે ચાર દિવસનો સમય આપવામાં આવ્યો છે જે 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. ચર્ચાના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ જવાબ આપશે જેના પર તમામની નજર રહેશે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આભાર પ્રસ્તાવ પર જોરદાર ચર્ચા થવાની છે. દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ અન્ય કેટલાક રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી હોવાથી દેશની જનતા ઉપર વધારે બોજો નાખવામાં ન આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.