દિલ્હીઃ મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મની બાજુની દિવાલ ધરાશાયી, બે વ્યક્તિ ઘાયલ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મની બાજુની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની આશંકા સેવાઈ રહી છે, જ્યારે કાટમાળ નીચે દબાતા બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત બાદ આ લાઇન પરની મેટ્રો ટ્રેન હાલમાં સિંગલ લાઇન પર ચલાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી મેટ્રોના ગોકુલપુરી સ્ટેશન પર એક અકસ્માત થયો હતો. સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થયો છે. તેના કાટમાળથી દબાઈને એક વ્યક્તિનું મોત થયું છે, જોકે હજુ સુધી કોઈ અધિકારીએ મૃત્યુની પુષ્ટિ કરી નથી. આ દરમિયાન બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યાની આસપાસ ગોકલપુરી મેટ્રો સ્ટેશનની બાઉન્ડ્રી વોલ (પૂર્વ બાજુ)નો એક ભાગ નીચે રોડ પર પડ્યો હતો. એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્યને સામાન્ય ઈજા થઈ હતી. કેટલાક લોકોની મદદથી પોલીસ કર્મચારીઓએ કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. ઘાયલોને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી.