- દિલ્હીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી
- લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળશે
દિલ્હી : રાજધાની દિલ્હીમાં આ વખતે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા વધારે મહેરબાન થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ બુધવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ, ગુરુવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ વચ્ચે મંગળવારે લોકોને વરસાદથી થોડી રાહત મળી હતી.
હવામાન વિભાગનું કહેવું છે કે,દિલ્હીવાસીઓને આ વખતે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે.અનુમાન છે કે આજે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકથી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
હવામાન વિભાગે વરસાદની પેટર્નને જોતા બુધવાર માટે યલો એલર્ટ જારી કર્યું છે, જ્યારે ગુરુવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગનું કહેવું છે કે,આ બે દિવસમાં દિલ્હીના લોકોને સારો વરસાદ જોવા મળશે, અને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળશે.
1944 બાદ આ વખતે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ થયો છે. એટલે કે આ વખતે દિલ્હીમાં છેલ્લા 121 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 390 મીમીથી વધુ વરસાદ થયો છે. અગાઉ 1944 માં સૌથી વધુ વરસાદ 417 મીમી નોંધાયો હતો. દિલ્હીમાં 4 મહિનામાં 1139 મીમી વરસાદ નોંધાયો છે, જે 46 વર્ષમાં સૌથી વધુ છે. આ 1975 માં આવેલા 1155 મીમી વરસાદ કરતા થોડો ઓછો છે.