દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે
દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા ઓટીપીથી લઈને તમામ માહિતી આ મોડ્યુઅલ મારફતે આરોપીઓ પાસે પહોંચી જતી હતી અને પછી છેતરપીંડના ગુનાને અંજામ આપતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પોલ નામની વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે, તેઓ કેનેરા બેંકનો કસ્ટમર કેયર નંબર ઈન્ટરનેટ ઉપર શોધતા હતા. દરમિયાન એક નંબર મળ્યો હતો. જે કસ્ટમર કેયરના નામે લખ્યો હતો. આ નંબર ઉપર સંપર્ક કર્યા બાદ કથિત ગ્રાહક સેવા કેન્દ્રવાળા શખ્સે એક વેબસાઈટની લિંક આપી હતી. જેની ઉપર ફરિયાદ કરવાની સલાહ આપી હતી. આ વેબસાઈટ પ્રથમ દર્ષ્ટીએ કેનેરા બેંકની હોય તેવી જ લાગતી હતી. જે તે વ્યક્તિએ પીડિતને વિવિધ સ્ટેપ્સ અનુસરવા કહ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના ફોનમાં એક એપ્લિકેશન ઓટોમેટિક ડાઉનલોડ થઈ ગઈ હતી અને ત્યાર બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી બારોબાર 27.10 લાખની રકમ અલગ-અલગર એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસની તપાસમાં આ મોડ્યુઅલ સમગ્ર દેશમાં કાર્યરત હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન સપ્ટેમ્બર 2021માં ઝારખંડના જામતાડામાં રહેતા છ આરોપીઓને બેંગ્લોરથી ઝડપી લીધા હતા. જેમાં મહંમદ મુજાહિદ અન્સારી, આસિફ અંસારી, ગુલાબ અસારી, શાહનવાજ અંસારી, બહારુદ્દીન અંદારીનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં આ ગેંગનું અન્ય મોડ્યુઅલ પશ્ચિમ બંગાળમાં કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. પશ્ચિમ બંગાળ અને જામતાડામાં છાપો મારીને અન્ય પાંચ આરોપી સાહની ખાન, અબુબકર શાહા, રાજેશ ગોરાહી, સુરજ સાહા અને મુઝાનુર અંકારીને ઝડપી લીધા હતા. આ ગેંગના માસ્ટમાઈનટ મુસ્લિમ અંસારી નામના શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 26 મોબાઈલ ફોન, એક લેપટોપ, 156 સીમકાર્ડ, 11 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતા. પોલીસ તપાસમાં ટોળકી સામે સમગ્ર દેશમાં 1000 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.