નવી દિલ્હીઃ દિલ્હીમાં પાણીની તંગીના મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિમાચલ પ્રદેશ અને હરિયાણા સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. કોર્ટે હિમાચલ પ્રદેશને શુક્રવાર થી દરરોજ 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે હરિયાણાને તેના વિસ્તારમાં પડતી નહેર દ્વારા દિલ્હી સુધી પાણી પહોંચાડવામાં સહયોગ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારે પાણીનો બગાડ ન કરવો જોઈએ. તમામ પક્ષકારોએ સોમવાર સુધીમાં કેસની પ્રગતિ વિશે જાણ કરવા નિર્દેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે હિમાચલથી હથનીકુંડમાં કેટલું પાણી પહોંચ્યું તે જાણવાનો તેની પાસે કોઈ રસ્તો નથી. પાણીને હથનીકુંડ બેરેજ થઈને દિલ્હીના વજીરાબાદ પહોંચવું પડે છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આદેશ આપવામાં આવ્યો છે. હવે સોમવારે તમે અમને જણાવો કે આ મામલે શું થયું. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે હરિયાણા સરકાર તેના હિસ્સાનું પાણી છોડતી નથી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે હરિયાણા હિમાચલ પ્રદેશ દ્વારા દિલ્હી માટે આપવામાં આવેલ પાણી છોડે.
દેશની રાજધાની દિલ્હીમાં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. જો કે, સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે રાજધાનીવાસીઓને પાણીની સમસ્યામાં રાહત મળશે. તેમજ દિલ્હીની જનતાને પાણી માટે ભટકવામાંથી છુટકારો મળવાની પણ આશા રાખવામાં આવી રહી છે.