- દિલ્હીની હવાની ગુણવતામાં આવ્યો સુધાર
- AQI 280 પર પહોંચ્યો
- આગામી બે દિવસમાં સ્થિતિ બગડવાની શંકા
દિલ્હી : છેલ્લા 22 દિવસથી દિલ્હી-NCRના લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સોમવારથી, તેજ પવનને કારણે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને પ્રદૂષણનું સ્તર ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં પહોંચી ગયું હતું. જો કે, મંગળવારે સાંજે શિયાળાની શરૂઆત પછી પવનની ગતિ ધીમી થતાં, પ્રદૂષણનું સ્તર ફરી એક વાર વધી ગયું અને તે ‘અતિ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયું. ‘સફર’ અનુસાર, દિલ્હીમાં આજે થોડી રાહત છે અને સવારે AQI ઘટીને 280 થઈ ગયો છે, જોકે પ્રદૂષણનું સ્તર ‘ખરાબ’ શ્રેણીમાં છે.
મંગળવારે સવારે AQI 315 પર નોંધાયું હતું જે ઘટીને 290 પર આવી ગયું હતું, જો કે,સાંજે 4 વાગ્યા પછી સ્થિતિ ફરી બદલાઈ ગઈ હતી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટ આજે ફરી એકવાર દિલ્હી-NCR પ્રદૂષણ કેસની સુનાવણી કરશે. ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
દિલ્હીમાં તેજ પવનને કારણે પ્રદૂષણથી થોડી રાહત મળી હતી. 22 દિવસ બાદ દિલ્હીમાં 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે પ્રદૂષણનું સ્તર થોડું નીચે આવ્યું હતું. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે,પ્રદૂષણ સામે લડી રહેલી રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગતિવિધિને કારણે પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો થયો છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારા સાથે રાજધાનીના લોકોને પ્રદૂષણથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર, 22 નવેમ્બરથી દિલ્હી-NCRમાં પવનની ગતિ વધી છે.