મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે. તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ 1400 ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે. ગુજરાતના ખેડૂતમાં તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે. અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે. પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવાની પણ જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.